સેસિલ ના શિકાર પાછળ જવાબદાર કૌન ???????

File

અમેરિકાના ડોક્ટર વોલ્ટર પામર થોડા સમય પહેલાં ઝિમ્બાબ્વેના પ્રવાસે હતાં. અહીં તેણે સેસિલ નામના એક સિંહનો શિકાર કર્યો. અને પછી હવે દુનિયાભરમાંથી ડો.વોલ્ટરની શોધ ચાલી રહી છે, મિડિયામાં તેના પર ટીકા થાય છે. એક શિકારથી વોલ્ટર ઝીરો બન્યા છે અને સેસિલ હીરો..

ઝિમ્બાબ્વેના હવાંગે નેશનલ પાર્કમાં વિહરતા એ સિંહની ઉંમર હતી ૧૩ વર્ષ. સિંહોની સૃષ્ટિ પ્રમાણે એ કાયદેસર વડીલ હતો. કેશવાળી ધીમે ધીમે કાળી પડી રહી હતી અને સૂંડલામા સમાય એવડું તેનું માથુ હતું. પોણા બસ્સો કિલોગ્રામ વજન ધરાવતો એ વનરાજ જ્યારે પગલાં માંડે ત્યારે આસપાસની સૃષ્ટી થંભી જતી હતી. ત્રાડ નાંખે ત્યાં ત્રણ-ચાર કિલોમીટરમાં રહેતા સજીવો ધૂ્રજી ઉઠતાં હતાં. એ સિંહનું નામ સેસિલ, સેસિલ ર્હોડ્સ. જુન મહિનાની પહેલી તારીખે એ સિંહનું મોત થયું અને મોત થયા પછી તેને એટલા લોકો ઓળખતાં થયાં જેટલા જીવતેજીવત ઓળખતા ન હતો. મર્યા પછી સેસિલ જગતના ચોતરે ‘ચડયો’ છે.

કેમ?
આફ્રિકાના ઘણા દેશોમાં ‘ટ્રોફી હન્ટિંગ’ નામનો વ્યવસાય ચાલે છે. ટ્રોફી હન્ટિંગ એટલે મોંઘી સરકારી પરમિટ લઈને જંગલમાં વિચરતા પ્રાણીઓનો શિકાર કરવો. એ શિકાર પછી શિકારી મૃત પ્રાણીના અંગો પોતાની સાથે ઈનામ (એટલે કે ટ્રોફી) તરીકે લઈ જઈ શકે છે. એટલે એનું નામ ટ્રોફી હન્ટિંગ. આઝાદી પછી ભારતમાં શિકાર પ્રવૃત્તિ બંધ છે, પણ આફ્રિકા, યુરોપના દેશો અને અમેરિકામાં એ પ્રથા ચાલુ છે. આફ્રિકાના દેશો એવુ કારણ આપીને ચાલુ રાખે છે કે અમે બધા તો ગરીબ છીએ. જંગલો અને વન્યજીવોની  જાળવણી માટે અમારી પાસે પૈસા નથી. પણ જો વર્ષે બસ્સો-પાંચસો સજીવોને મારવાની છૂટ મળે તો તેનો દ્વારા થતી (લાખો ડોલરની) આવક બીજા સજીવોની જાળવણીમાં વાપરી શકાય. એટલા માટે આફ્રિકી દેશો ટ્રોફી હન્ટિંગ ચાલુ રાખે છે. આફ્રિકામાં ૭થી ૨૧ દિવસ સુધીના ટ્રોફી હન્ટિંગ પ્રવાસ યોજાય છે. પ્રાણીના પ્રકાર અને દિવસોના આધારે ૪ હજાર ડોલરથી માંડીને ૧ લાખ ડોલર સુધીની ફી ભરવી પડે છે. આફ્રિકાના ઘણા ગરીબ દેશો એ રીતે કમાણી કરે છે. અમેરિકા-યુરોપમાં એ પ્રવૃત્તિ માત્ર શોખ માટે ચાલુ છે.

અમેરિકાના મિનાસોટા રાજ્યમાં રહેતા ડેન્ટિસ્ટ વોલ્ટર પામર શિકારના શોખીન છે. પૈસાની તેમને કમી નથી એટલે તેઓ જ્યાં ત્યાં જેટલા ડોલર ચૂકવવા પડે એટલા ચૂકવીને ટ્રોફી હન્ટિંગ કરતાં રહે છે. આ વખતે વોલ્ટર આફ્રિકા પહોંચ્યા. ઝિમ્બાબ્વેના હવાંગે નેશનલ પાર્કમાં શિકાર કરવા તેમણે ૫૫,૦૦૦ ડોલરની ફી ભરી દીધી અને તીર-કામઠા-રાઈફલ લઈ નીકળી પડયાં. આખેટ પર જતાં પહેલા વોલ્ટરે તપાસ કરીને જાણી લીધું કે અહીં તો મારવા જેવો એક સિંહ છે.

એ સિંહ હતો સેસિલ. વોલ્ટર અને તેના સાથીદારોએ મળીને સેસિલને શોધ્યો. લલચાવીને ખુલ્લાં વિસ્તારમાં લઈ આવ્યા. એક ગોળી છોડીને સેસિલના પ્રાણ હરી લેવા આમ તો સરળ હતાં. પણ વોલ્ટરે ગોળી છોડવાને બદલે પહેલાં તીર માર્યું. સેસિલ ઘાયલ થયો અને તડફતો રહ્યો. શિકારીઓએ એ તડફડાટનો વિકૃત્ત આનંદ ૪૦ કલાક સુધી લીધો. એ પછી વોલ્ટરે ગોળી છોડી અને સેસિલને મારી નાખ્યો. મૃતક સિંહ સાથે ફોટા પડાવ્યા. તેનું ચામડું ઉતારી લીધું અને કમળપૂજાની માફક ડોકું પણ વાઢી લીધું. માત્ર સેસિલનું હાડપિંજર ત્યાં રહેવા દીધું. ખેલ ખતમ કરી વોલ્ટરભાઈ અમેરિકા ભેગા થઈ ગયા.
આ બાજુ પાર્કના ચોકિયાતોના ધ્યાનમાં હાજપિંજર આવ્યુ અને તપાસ કરતાં ખબર પડી કે આ તો આપણા સૌનો લાડકો સેસિલ હતો! બીજી તરફ અમેરિકા જઈ વોલ્ટરે સોશ્યલ મિડિયા પર પોતાની શિકારગાથાના ફોટા મૂક્યા, જેમાં વોલ્ટર દેખાતો હતો. દર વખતે શિકાર કર્યા પછી ફોટા મૂકવાની ટેવવાળા વોલ્ટરને આ વખતનું પરાક્રમ ભારે પડી ગયું.
સામાન્ય ઝિમ્બાબ્વેવાસીઓને સેસિલના મોતથી કંઈ ફરક પડયો ન હતો. પરંતુ સિંહના સંશોધન પર કામ કરતાં અને સેસિલને ઓળખતા સૌ કોઈ માટે તેની હત્યા આઘાતજનક હતી. ખાસ તો સેસિલ જનમ્યો ત્યારથી ‘ઓક્સફર્ડ રિસર્ચ ફાઉન્ડેશન’ તેનું પગેરું રાખીને તેનો અભ્યાસ કરતું હતું. અગાઉ અનેક ડોક્યુમેન્ટ્રીઓમાં, સંશોધનમાં સેસિલ ભાગ લઈ ચૂક્યો હતો. માટે તેની પરદેશમાં ઘણી ખ્યાતિ હતી. તો વળી પ્રવાસીઓમાં પણ સેસિલ લોકપ્રિય હતો. પ્રવાસીઓ તેના દસેક મિટર જેટલા નજીક જાય તો પણ એ શાંત રહીને પ્રવાસીઓને મજા લૂંટવા દેતો હતો. ટૂંકમાં દેખાવે ખૂંખાર અને એક જ ત્રાડમાં પાર્ક ગજવતો સેસિલ એકંદરે ડાહ્યો હતો. એક સિંહની હત્યાથી આમ તો હાહાકાર ન મચવો જોઈએ, પણ અહીં આપ્યા એ બધા કારણોથી સેસિલ હવે આંતરરાષ્ટ્રીય અખબારોમાં સ્થાન પામ્યો છે. તેના સમચારો રોજ રોજ આવે છે અને એમ એમ તેની લોકપ્રિયતા પણ વધતી જાય છે.cecil-main

શિકાર પછી ઝિમ્બાબ્વેમાં તપાસ આરંભાઈ. તપાસમાં ખબર પડી કે વોલ્ટરને શિકારની પરમિશન હતી, પણ પરમિશનની શરતોમાં ભારે છેડછાડ થઈ હતી. વોલ્ટરે તીર વડે સિંહને ઘાયલ કર્યો હતો, જેની છૂટ ન હતી. શિકાર જે વિસ્તારમાં કરવો જોઈતો હતો, તેની બહાર સિંહને લાવીને મરાયો હતો. સિંહને ઘાયલ કરીને પીડા આપવામાં આવી હતી. એવા તો ઘણા નિયમો વોલ્ટરે નેવે મૂક્યા હતાં. એ જોઈને ઝિમ્બાબ્વે સરકારે તેને પોતાનો ગુનેગાર જાહેર કર્યો.
આ તરફ સોશ્યલ મિડિયા પર વોલ્ટરના ફોટા જોઈને ‘વાહ વોલ્ટરભાઈ…’ એવી કમેન્ટ્સ આવવાને બદલે ધિક્કાર વરસવો શરૃ થયો. હવાંગે નેશનલ પાર્ક જેની દહાડથી ધુ્રજતું હતું એ સિંહનો શિકાર કરતાં તમને શરમ ન આવી? સોશ્યલ મિડિયા પર તો વોલ્ટર સામે આક્રોશ શરૃ થયો જ. પણ તેનું ઘર અને દવાખાનું પણ લોકોની હડફેટે ચડયું. ત્યાંના વિરોધકારો જોકે આપણી જેમ પથ્થરમારો નથી કરતાં. માટે સેસિલની તરફેણમાં અને વોલ્ટરને ધિક્કારતાં હોય એવા અનેક પોસ્ટરો લોકોએ વોલ્ટરના ઘર-દવાખાના પાસે મૂક્યા. કેટલાક લોકો તો વોલ્ટરના ઘર આગળ તો ખોરાક મૂકી ગયા છે, એમ કહીને કે ખાવાનું ન હોય તો આ લો સીધું-સામાન પણ સિંહને મારવાનું બંધ કરો! પરિણામે પોતાનો શિકાર થઈ જવાનો હોય એવા ડરે મહિનાથી વોલ્ટર ઘરે કે દવાખાને દેખાયો નથી. તાળુ મારીને પરિવાર ક્યાંક ચાલ્યો ગયો છે. હાલ તો અમેરિકાનો વન-વિભાગ પણ તેને શોધી રહ્યો છે.
150731_wn_perez1_16x9t_384
ફૂગાવો અને ક્રિકેટ માટે જ ચર્ચામાં આવતા દેશ ઝિમ્બાબ્વે પર આખી દુનિયાના સમાચાર માધ્યમોનું ધ્યાન સેસિલને કારણે પડયું છે.  ત્યાં વોલ્ટર વિરૃદ્ધ ઝૂંબેશ શરૃ થઈ છે. એટલું જ નહીં, ભારત પાકિસ્તાનને દાઉદ સોંપી દેવાની માંગણી કરી રહ્યું છે, એવી જ માંગણી ઝિમ્બાબ્વેએ અમેરિકી સરકાર પાસે કરી છે, અમને વોલ્ટર સોંપી દો! એકાદ લાખ કરતાં વધુ લોકોની સહી સાથે વ્હાઈટ હાઉસને પત્ર પણ ઝિમ્બાબ્વેથી લખાયો છે, જેનો જવાબ મળશે એવી વ્હાઈટ હાઉસે ખાતરી પણ આપી છે. ઝિમ્બાબ્વેમાં શિકાર માટે જેણે સહાય કરી હતી એ સ્થાનિક મદદગારોને તો સરકારે પકડીને સળિયા ગણતાં કરી દીધા છે.
આફ્રિકાના ઘણા દેશોમાં ટ્રોફી હન્ટિંગ થાય છે અને વર્ષે અંદાજે ૬૦૦ સિંહો ટ્રોફીના નામે જીવ ગુમાવે છે. બીજા સજીવોનો પણ શિકાર થાય છે. પણ એ બધામાં સેસિલ અનોખો સાબિત થઈ રહ્યો છે. મર્યા પછીય સેસિલની ડણક નવખંડ ધરતીમાં ગાજી ઉઠી છે.

ભારત અને આફ્રિકા સિવાય જંગલમાં સિંહો જોવા મળતાં નથી. માટે સિંહ જોવા માગતા પ્રવાસીઓએ એ બન્ને પૈકી એક સ્થળ પસંદ કરવું રહ્યુ. આફ્રિકામાં અનેક નેશનલ પાર્ક છે અને દરેક પાર્કમાં અનેક પ્રકારના પ્રાણીઓ છે. સિંહોની વસતી ૨૫ હજાર કરતાં વધારે છે. એટલે સિંહો જોવા માંગતા પ્રવાસીઓ નિરાશ નથી થતાં. સાથે હાથી-જિરાફ-ઝેબ્રા-ચિત્તા-દીપડા-હિપ્પો વગેરે પણ જોવા મળે છે. એટલે આફ્રિકા વાઈલ્ડલાઈફ પ્રેમી પ્રવાસીઓથી ઉભરાતું રહે છે.
ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, યુગાન્ડા.. સહિત આફ્રિકા ખંડના દેશો ગરીબ છે. એટલે જ એ દેશો ટ્રોફી હન્ટિંગમાંથી કમાણી કરે છે. ઝિમ્બાબ્વેમાં હવાંગે સૌથી મોટો નેશનલ પાર્ક છે. સેસિલ એ પાર્કનો જ રાજા સિંહ હતો. પ્રવાસીઓ ઉપરાંત સેસિલ સંશોધન માટે જોઈએ એવો ઘણો સહકાર આપતો હતો. સેસિલનો પીછો કરી કરીને સંશોધકો જાણી શક્યા કે અહીં સિંહો ખાસ્સુ અંતર કાપે છે અને જરૃર પડયે તરીને સામે કાંઠે પણ પહોંચે છે (ગીરના સિંહોને તરવું પડે એવા પ્રસંગો ખાસ આવતા નથી).

હત્યાથી સેસિલના ટોળાંમાં અરાજકતા સર્જાઈ હતી. કેમ કે ઘણા બચ્ચાં હતાં. છ બચ્ચાં તો એકલા સેસિલના હતાં. સેસિલ જેવા ધરતી ધૂ્રજાવતા અનેક સિંહો ફરતાં હોય ત્યાં ટોળુ આગેવાન વગર વધારે દિવસો રહી ન શકે. ૨૦૦૨માં જન્મેલો સેસિલ ૨૦૦૮માં પુખ્ત થયો ત્યારથી જ આગેવાની માટે ગમે તેવા સિંહો સાથે ટક્કર લેતાં અચકાતો ન હતો. એમ કરતાં જ ૨૦૦૯માં તેેણે પોતાના જ ભાઈને મારી નાખી પોતાનું નેતૃત્વ સ્થાપિત કર્યુ હતું. ૧૯મી સદીમાં બ્રિટનથી આફ્રિકામાં ખાણકામ કરવા માટે ઉદ્યોગપતિ સેસિલ જોન ર્હોડ્સ આફ્રિકાના ઝિમ્બાબ્વેમાં સ્થળાંતરીત થયાં હતાં. તેમના નામે જ આ સિંહ સેસિલ ર્હોડ્સ તરીકે ઓળખાતો હતો. અત્યારે એ ટોળામાં જનાવરોની સંખ્યા વીસ આસપાસ છે (સિંહના ટોળાં ન હોય એ માન્યતા સદંતર ખોટી છે, આફ્રિકામાં પણ સિંહ ટોળામાં રહે છે અને ગીરમાં પણ).
ઉંમર વધતી ગઈ એમ સેસિલ માટે પણ જુવાન સિંહો સામે ટકવું કપરુ બન્યુ હતું. ૨૦૧૩માં બે યુવાન સિંહોએ મળીને સેસિલને હાંકી કાઢ્યો હતો. પણ રાજ કેમ ટકાવી રાખવું એ બરાબર જાણતા સેસિલે પોતાના જ બીજા ભાઈ જેરિકો સિંહ સાથે મળીને ફરી પોતાની ટોળી પર કબજો જમાવ્યો હતો. આ વખતના શિકારમાં જેરિકો પણ મૃત્યુ પામ્યો હોવાની શંકા હતી. કેમ કે ઘણા દિવસથી એ જાહેરમાં દેખાયો ન હતો. પણ સદ્ભાગ્યે જીવે છે. અને હવે તો ટોળાંની આગેવાની પણ તેણે લઈ લીધી છે. હજુ એક ડર છે. જેરિકો કદાચ સેસિલના છ બચ્ચાંને મારી નાખશે. કેમ કે પોતાનો વંશ શક્શિાળી બને એટલે કોઈ બીજા સિંહના બચ્ચાંને નેતા જીવતા રહેવા દેતો નથી.

અમેરિકામાં લાદેનની જેમ છૂપાતા ફરતાં વોલ્ટરે ગુપ્તવાસમાંથી માફી માંગી છે કે મને ખબર નહોતી કે હું કોઈ સેલિબ્રિટી સિંહને મારી રહ્યો છું. મારતાં પહેલાં મેં તો બધી રીતે કાયદા-કાનૂન તપાસી લીધા હતાં, પછી જ ગોળી છોડી હતી. છતાં પણ મને માફ કરો..
જોકે વોલ્ટરની દાનત પર વિશ્વાસ થઈ શકે એમ નથી. કેમ કે શિકાર મુદ્દે અગાઉ પણ ખોટુ બોલવાના કિસ્સા તેના નામે નોંધાઈ ચૂક્યા છે. ૨૦૦૮માં અમેરિકામાં કાળા રીંછનો શિકાર કરીને તેનું લોકેશન ખોટું બતાવવા બદલ વોલ્ટરને ૨૯૦૦ ડોલરનો દંડ ફટકારાયો હતો.

સેસિલની હત્યાના પડઘા અમેરિકા અને યુરોપ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ પડયા છે. ટ્રોફી હન્ટિંગ પછી સજીવોના અંગો ઘરે લાવવા પર પ્રતિબંધ મૂકવાની વિચારણા અમેરિકા અને યુરોપિનય સંગઠન કરી રહ્યું છે. સેસિલની હત્યા પછી વિચારણા તેજ બની છે. કેમ કે ટ્રોફી હન્ટિંગની ટ્રોફી જ ઘરે લાવવાની છૂટ ન હોય તો પછી પોતાનો ડ્રોઈંગ રૃમ સજાવવા ઈચ્છતા ઘણા શિકારીઓ શિકાર બંધ કરી દે. સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ અનઅધિકૃત શિકાર પર પ્રતિબંધ મૂકતો ખરડો પસાર કર્યો છે. તો વળી નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી તો વર્ષોથી ટ્રોફી હન્ટિંગનો વિરોધ કરે છે. તેમણે ફરી એ મુદ્દો ઉપાડયો છે, કે પૈસા લઈને પણ કોઈ સજીવની હત્યાની છૂટ શા માટે આપવી જોઈએ. કોઈનો જીવ લેનારા આપણે કોણ? દરમિયાન આવા શિકારની પરવાનગી આપતા સંગઠન સફારી ક્લબ ઈન્ટરનેશનલે વોલ્ટર અને તેના સાથીદારનું લાયસન્સ રદ કરી નાખ્યું છે.
એ બધી અરાજકતા વચ્ચે વોલ્ટર અત્યારે ગમે ત્યાં, તેમને કાનમાં સેસિલની ડણક સંભળાતી જ હશે..

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: