શિક્ષક દિન અને જન્માષ્ટમી……….!!!!!!!!!!!!

આજે ૫ સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેઓ આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતિય રાષ્ટ્રપતિ હતા, એક મુત્સદ્દી રાજદ્વારી, જ્ઞાની તત્વચિંતક અને ધર્મ તથા ફિલસૂફીના ઉચ્ચ અભ્યાસુ હતા તેમના જન્મદિવસને, શિક્ષક દિવસ તરીકે ભારતભરમાં ઉજવીએ છીએ. હિન્દુ ધર્મ અને અદ્વૈત વેદાંત ફિલસૂફીને પશ્ચિમી આલોચનાઓથી બચાવવા તેની સામે તાર્કિક દલીલો પ્રસ્તુત કરી તેમણે આદર્શ ધર્મની આગવી વ્યાખ્યા કરી. વૈશ્વિક ધોરણે હિન્દુ ધર્મ વિશેની ગેરસમજને દૂર કરવામાં તેમના લખાણોએ મોટો ભાગ ભજવ્યો, ખાસ કરીને પશ્ચિમી સભ્યતાને તેમણે ભારતીય – હિંદુ સંસ્કૃતિનો મર્મ તાત્વિક રીતે સમજાવ્યો.

sarvepalli-radhakrishnan-on-war-and-soldiers

વિદ્યાર્થીઓ માટે આ શિક્ષક દિવસની ઉજવણી અનોખો ઉત્સાહ અને આનંદ લઈને આવે છે. મને યાદ છે કે અમે પ્રાથમિક શાળામાં હતા ત્યારે અમારી શાળા માં શિક્ષક દિવસના એકાદ અઠવાડીયા પહેલાથી જ કોણ કયા શિક્ષકનો પાઠ ભજવશે એ નક્કી થતું, શિક્ષકો પોતપોતાના વર્ગમાંથી એક બે વિદ્યાર્થીઓને એ દિવસે પોતાની ભૂમિકા નિભાવવાનો અવસર આપતા અને અમારો ઉત્સાહ ક્યાંય સમાતો નહીં.

મેં એક વખત શિક્ષક અને એકાદ વખત આચાર્યની ભૂમિકા ભજવી હતી, લગભગ સાતમા ધોરણમાં હઈશ ત્યારે મને અંગ્રેજીના શિક્ષકનો પાઠ ભજવવાનો અવસર અપાયો હતો, તેઓ સ્વભાવના ખૂબ કડક અને શિસ્તના આગ્રહી હતા. હાથમાં કાયમ એક ફુટપટ્ટી રાખતા. મેં પણ કાંઈક એવી જ શિસ્તના આગ્રહ સાથે, તેમની જેમ જ તૈયાર થઈને, ટટ્ટાર રહીને અને વર્ગનો સમય જરા પણ બગાડ્યા વગર એક આખો પાઠ ભણાવ્યો હતો, હોમવર્ક આપ્યું હતું… એ દિવસ યાદ કરું છું તો શિક્ષક થવાની એ બાળપણની ઈચ્છા ફરીથી આળસ મરડીને બેઠી થાય છે. મારે આ શિક્ષક બનવું છે કે પેલા શિક્ષક બનવું છે એવી રસાકસી થતી, શિક્ષકો પણ એવા હતાં કે આજે વર્ષો પછી પણ વૃદ્ધાવસ્થામાં પ્રવેશેલા એ સુજ્ઞજનો જો રસ્તાના કિનારેથી શાકભાજી ખરીદતા, ક્યારેક એટીએમમાંથી બહાર નીકળતા કે કોઈક દવાખાને – એમ મળી જાય તો શરીર આપોઆપ નમી જાય તેમના ચરણસ્પર્શ કરવા. આજના વિદ્યાર્થીઓને એ પ્રકારના શિક્ષકો, પદ્ધતિસરના અભ્યાસ સાથેનો એ પ્રેમ અને વ્હાલ મળતા હશે? આજ સુધી એ શિક્ષકનો ચહેરો ભૂલાયો નથી, તેમની ભણાવવાની પદ્ધતિ, દરેક વિદ્યાર્થીની અંગત કાળજી અને વાત્સલ્ય તેમનો સ્વભાવ હતો. પ્રિન્સીપલ બન્યો હતો ત્યારે શિક્ષક બનેલા બધા જ સહપાઠીઓની એક મિટીંગ શાળા શરૂ થતા પહેલા બોલાવેલી, જેમાં તેમને વિદ્યાર્થીઓને શિક્ષા કરવાને બદલે શક્ય રીતે સમજાવવાનો આગ્રહ કરેલો. એ વખતે કેમેરો ઉપલબ્ધ નહોતો, પણ એ બધી જ તસવીરો માનસમાં ૧૦૮૦ પિક્સેલ રેઝોલ્યૂશનમાં તદ્દન સ્પષ્ટ સચવાઈ રહે છે.

શિક્ષક દિવસે વિદ્યાર્થીઓને શિક્ષક બનવાનો અવસર આપવા પાછળ કયું કારણ વિચારાયું હશે? મને લાગે છે કે વિદ્યાર્થીઓ એકાદ દિવસ પણ જો ગુરુની વિચારધારા કે ગુરુના સ્તર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે તો તેમને ખબર પડશે કે તેમણે હજુ કેટલી મહેનત કરવાની છે, કેટલું બધું ગ્રહણ કરવાનું તેમને માટે હજુ બાકી છે. શિક્ષક બનવાના પ્રારંભિક ઉત્સાહની સાથે સાથે મનમાં એક અગમ્ય ડર પણ હોય છે, સફળ થઈશું કે નહીં? ક્યાંક આપણા જ સહપાઠીઓ આપણી મજાક તો નહીં ઉડાવે? એ ડરને પાર કરીને આગળ વધવાનો અવસર એટલે શિક્ષક દિવસ… એક શિક્ષકના વૈચારીક સ્તર સુધી પહોંચવાનો સાવ બાળસહજ પ્રયત્ન એટલે શિક્ષકદિવસ. બાળપણમાં ડૉક્ટર કે વકીલ થવાને બદલે શિક્ષક બનવાની મોટા ભાગના વિદ્યાર્થીઓની ઈચ્છાનું મૂળ ક્યાંથી રોપાતું હશે?

એક આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ? અમારા શિક્ષક કહેતા હતા કે, કિંગ બનવા કરતા કિંગમેકર બનવામાં વધારે સંતોષ મળે છે, અશોક બનવા કરતા ચાણક્ય થવામાં અને અર્જુન બનવા કરતા કૃષ્ણ થવાનું મહત્વ કદાચ એટલે જ સદાય વધારે રહ્યું હશે.

It is the supreme art of the teacher to awaken joy in creative expression and knowledge.
Albert Einstein

I swear… to hold my teacher in this art equal to my own parents; to make him partner in my livelihood; when he is in need of money to share mine with him; to consider his family as my own brothers and to teach them this art, if they want to learn it, without fee or indenture.
Hippocrates

કૃષ્ણનો તો આજે જન્મ દિવસ છે, વિશ્વના એક અદના શિક્ષક એવા શ્રીકૃષ્ણનું આખુંય જીવન અનેકવિધ બાબતોની સાવ ખુલ્લી કિતાબ છે. રામાયણ આદર્શ જીવનની ગાથા છે તો મહાભારત વ્યવહારીક અને ખેંચતાણભર્યા જીવનને સરળતા અને સફળતાથી જીવી જવાનો ગુરુમંત્ર છે.

કૃષ્ણ કેટકેટલાને માટે શિક્ષક – માર્ગદર્શક હતા? રાધા સહ અનેક ગોપીઓ અને ગોવાળોને તેમણે નિર્વ્યાજ સ્નેહ અને પ્રેમનું રસપાન કરાવ્યું, દ્રૌપદી, અર્જુન, યુધિષ્ઠિર, ભીમ, કુંતી, કર્ણ, ભીષ્મ… કોઈકને જીવનની સાચી સમજ આપીને, કોઈકને મૂંઝવણમાંથી માર્ગ બતાવીને, કોઈકને અણીને સમયે તારણહાર બનીને, કોઈકને ધીરજ બંધાવીને તો કોઈકને સત્ય સમજાવીને, કૃષ્ણ અનેકોને માટે સાચા શિક્ષક બની રહ્યા. કૃષ્ણ પ્રત્યેના આપણા અહોભાવનું કારણ તેમના ચમત્કારો નહીં, તેમણે લગભગ જીવનની દરેક પરિસ્થિતિ માટે આપેલી સમજ અને દોરવણીને લીધે મળતી સાચી સલાહ હોવી ઘટે. આજે જ્યારે વોટ્સએપ વગેરે પર કૃષ્ણ વિશેના સાવ બુદ્ધિહીન સંદેશા અને ટીચર્સ ડે પર ટીચર્સની બોટલ સાથે હેપ્પી ટીચર્સ ડે વાળી ઈમેજ અનેકો પાસેથી ફોર્વર્ડ થતા જોઉં છું તો તેમની સમજ પર પ્રશ્નાર્થ થાય છે, સાથે સાથે તેમના શિક્ષકોની મહેનત પર ફરી વળેલુ પાણી જોઈને અફસોસ થાય છે. જે પ્રજા પોતાના આદર્શોને કે તેમના જીવન પ્રત્યેના દ્રષ્ટીકોણને જ પૂર્ણપણે સમજી શક્તી નથી તેવા ધર્મની સંસ્થાપના કરતા પહેલા શિક્ષક બનીને તેમને સાચી સમજણ આપવા કૃષ્ણએ જન્મ લેવો પડશે, તેમનામાં રહેલી સાધુતાને જગાડવા અને દુષ્ટતાને નિવારવા…

જીવનના કેટલાક સીધા સાદા સરળ સનાતન સત્યો કૃષ્ણ સમજાવી ગયા છે, અર્જુનને અપાયેલો આ સંદેશ માનવજાતની સૌથી મોંધી મીરાંત છે, જેને આપણે ત્યારે જ સમજવા માંગીએ છીએ જ્યારે ‘કર્મા ઈઝ અ બિચ’ કહીને પશ્ચિમ તેને ગળે લગાડે છે!

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२- ४७॥

આ વિશ્વનો કદાચ સૌથી સચોટ, સ્પષ્ટ અને સરળ સંદેશ છે. જીવનની હકીકતનો, સાર – અસારનો રણકો તેમાં સિક્કાની જેમ ખણખણે છે. કહેવાયું છે કે સત્ય ત્રણ પ્રકારના હોય છે, મારું સત્ય, તમારું સત્ય અને સત્ય… તેમ જ કર્મનું અને કર્મફળનું પણ? તો પછી નસીબ અને ભાગ્ય શું? જ્યાં ફળની ચિંતા નથી ત્યાં નસીબ કે ભાગ્ય જેવા શબ્દો પાંગળા બની જાય છે, મહેનત, શ્રદ્ધા સાથેનું સમર્પણ જ્યારે કર્મફળની લાલસા વગરનું હોય ત્યારે કદાચ એક આદર્શ શિક્ષક બનતો હશે, ગુરુથી માસ્તર, માસ્તરથી શિક્ષક અને શિક્ષકથી ટીચર સુધીની યાત્રા સમયના ચક્ર પર ભલે લાંબો આંટો લાગે, પણ તેણે સાથે સાથે ગુરુને પૂજ્યભાવથી લઈને ટ્યૂશન ટીચરના તદ્દન સ્વાર્થીપણા સુધીની બધી જ ઊંચનીચ જોઈ છે. એ દરેક અવસ્થાએથી કર્મની આશા રાખ્યા વગર શિક્ષકો સાચા જ્ઞાનની પરબ પર વિદ્યાર્થીઓને જીવન સરળ અને સમથળ રીતે જીવવાનું અમૃત આપે એવી અભ્યર્થના સહ…

આજે શિક્ષક દિન અને જન્માષ્ટમી એક સાથે છે, એક જ દિવસની કેવી અનોખી ઉજવણી કરવાનો અવસર? ઉજવણી સમજણની, ઉજવણી કર્મની… ફલેચ્છા વગરના કર્મની..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: